Wednesday, May 3, 2017

નિયમગીરીની ‘પ્રફુલ્લ’તાનું રહસ્ય

દિવ્યેશ વ્યાસ


નક્સલવાદની સમસ્યા વકરતી જાય છે ત્યારે અફસોસ કે દેશના આદિવાસી વિસ્તારો નિયમગીરી જેટલા લકી નથી!


(તસવીર સૌજન્ય : ગોલ્ડમેન પ્રાઇઝની અધિકૃત વેબસાઈટ)

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે પોતાના કાર્યકાળ દરમિયાન નક્સલવાદને રાષ્ટ્રની આંતરિક સુરક્ષા સામેનો નંબર વન પડકાર ગણાવ્યો હતો. મનમોહનસિંહની આ વાત આજે પણ સાચી છે, જેનો પુરાવો થોડા દિવસ પહેલાં જ છત્તીસગઢમાં મળ્યો. સુકમા વિસ્તારમાં નક્સલીઓના કરપીણ હુમલામાં 25 સીઆરપીએફના જવાનોએ પોતાના પ્રાણ ન્યૌછાવર કરવા પડ્યા. નક્સલવાદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાનો કોઈ બચાવ ન હોઈ શકે. સમગ્ર વિશ્વમાં મોટાભાગના સામ્યવાદી-માર્ક્સવાદીઓએ હિંસાચાર છોડ્યો છે. બંદૂક છોડીને બેલેટનો (મત-ચૂંટણી) માર્ગ અપનાવ્યો છે, છતાં કેટલાંક તત્ત્વો દ્વારા આજે પણ હિંસાને ત્યજી શકતા નથી. નક્સલવાદ પેદા થવાનાં ચોક્કસ કારણો છે, છતાં તેના નામે ચાલતી હિંસાને વાજબી ઠેરવી શકાતી નથી. નક્સલવાદી હિંસાનો ભોગ આખરે તો નિર્દોષ આદિવાસી લોકો જ બનતા હોય છે. આદિવાસીની સમસ્યાઓ અને મૂંઝવણો-ગૂંગળામણોનો ઉકેલ આપણે આઝાદીના સાત દાયકા પછી પણ લાવી શક્યા નથી, એ વાસ્તવિકતા જ નક્સલવાદની આગને ભડકાવ્યે રાખે છે. અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને સુરક્ષા સલાહકારો પણ અનેક વાર કહી ચૂક્યા છે કે નક્સલવાદ એ માત્ર સુરક્ષાનો જ મુદ્દો નથી અને એટલે જ સૈન્ય કાર્યવાહી થકી એનો ઉકેલ આવી જશે, એવું માનનારા હંમેશાં ખોટા જ પડ્યા છે.

દેશમાં એક તરફ નક્સલવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે તો બીજી તરફ એવા સમાચાર મળી રહ્યા છે કે ઓડિશાના નિયમગીરી પર્વતમાળાના આદિવાસીઓના અધિકાર અને પર્યાવરણ સુરક્ષા માટે મથનારા પ્રફુલ્લ સામંત્રાને ગ્રીન નોબેલ ગણાતો વિશ્વવિખ્યાત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ પ્રાઇઝ નામનો એવોર્ડ જાહેર કરાયો છે. પ્રફુલ્લ સામંત્રાને મળેલું બહુમાન સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા પ્રફુલ્લભાઈની પ્રવૃત્તિ અને સંઘર્ષમાં જ ક્યાંક નક્સલવાદના ઉકેલના સંકેતો પણ પડેલા છે, જેના પર સમગ્ર દેશે અને ખાસ કરીને નક્સલવાદનો સામનો કરતાં રાજ્યોએ નજર નાખવા જેવી છે.

65 વર્ષના પ્રફુલ્લ સામંત્રા કઈ રીતે પર્યાવરણ સંરક્ષક બન્યા તેની કહાણી રસપ્રદ છે. પ્રફુલ્લભાઈના જ જણાવ્યા મુજબ તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને ન તો ભણવું ગમતું હતું કે ન પિતાને ખેતરમાં મદદ કરવી. તેમને તો બસ નિયમગીરીની હરિયાળી સૃષ્ટિ સાથે ગેલ-ગમ્મત પસંદ હતા. તેઓ જ્યારે મોટા થયા ત્યારે તેમણે જોયું કે પોતાના વિસ્તારમાં ધીમે ધીમે ઉદ્યોગોએ ધામા નાંખવા માંડ્યા છે અને તેને કારણે આસપાસની સૃષ્ટિને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. સામાન્ય લોકો જેને વિકાસ તરીકે જોતા હતા, તેનાથી તો સમાજમાં અમીર-ગરીબ વચ્ચે ખાઈ વધતી જતી હતી. એમાંય અંતરિયાળ વિસ્તારના શિક્ષણ-સુવિધાઓથી વંચિત આદિવાસીઓ તો ઓશિયાળા બનીને જ રહી જતા હતા. આદિવાસીઓના અધિકારોનું હનન થતું હતું તો સામે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. આખરે તેમણે આ મામલે પોતાના ડોંગરિયા કોંડ આદિવાસી સમુદાયને જાગૃત કરીને વિકાસના નામે ચાલતું સૃષ્ટિનું શોષણ અટકાવવાનું બીડું ઝડપ્યું.

ઓડિશા રાજ્યની નિયમગીરીની પહાડીઓ જૈવિક વિવિધતાનું કેન્દ્ર ગણાય છે. આ પહાડીઓ પર અનેક ઔષધીય વનસ્પતિઓ પેદા થાય છે અને દુર્લભ પશુ-પંખીઓ અહીં વાસ કરે છે. જોકે, અહીંના લાંજીગઢમાં બ્રિટનની વેદાંતા કંપનીએ ખાણનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. પ્રફુલ્લભાઈની સંસ્થા લોક શક્તિ અભિયાન સંગઠન દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આખરે પર્યાવરણ મંત્રાલય થકી આ પ્રોજેક્ટને નામંજૂર કરાવવામાં સફળતા હાંસલ કરી છે. સુપ્રીમ કોર્ટે 2013માં આદિવાસીઓને આ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો. 2015માં 12 ગ્રામ પંચાયતોમાં આ અંગે જનમત સંગ્રહ લેવાયો અને આદિવાસીઓએ એકસૂરે આ પ્રોજેક્ટની વિરુદ્ધ મતદાન કરતાં વેદાંતાએ પોતાની એલ્યુમિનિયમ રિફાઇનરીનો પ્રોજેક્ટ સદંતરપણે બંધ કરી દેવો પડ્યો. આ કેસ માટે તેમણે લોકજાગૃતિની સાથે સાથે કોર્ટકાર્યવાહીમાં આશરે એક દાયકા કરતાં વધારે સંઘર્ષ કરવો પડ્યો.

વકીલાતનો અભ્યાસ કરનારા પ્રફુલ્લભાઈએ પોતાના આદિવાસી બંધુઓ અને પર્યાવરણની વકીલાત કરવાનું પસંદ કર્યું અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાય છે. કાશ, દરેક આદિવાસી વિસ્તારને પ્રફુલ્લભાઈ જેવા કાયદાથી લડનારા સંઘર્ષવીર મળે, કાયદો હાથમાં ઝાલનારા નહીં અને સાથે એવી પણ કામના કરીએ કે આદિવાસીના અધિકારો કે પર્યાવરણ સુરક્ષા માટે લડનારાઓને નક્સલવાદી કે દેશવિરોધી અને વિકાસવિરોધી ગણવાની માનસિકતા પણ બદલાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 3 મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment